03 July 2014

સોના-ચાંદીના તારથી ગૂંથેલાં મોહક ઘરેણાં આધુનિક ફ્લોરલ જ્વેલરી - gold jewellery

ફલૉરલ જ્વેલરી પ્રાચીન સમયથી જ લોકપ્રિય છે. સાથે સાથે તે પરંપરાગત અને આધુનિક સમયમાં પણ એક ચોક્કસ  આકર્ષણ ધરાવે છે. સંસ્કૃતમાં ફૂલ અથવા પુષ્પ તરીકે ઓળખાતા  ફૂલો  હિંદુ તેમ જ અગાઉના સમયમાં બુદ્ધ આઈકનો ગ્રાફીમાં અનેરું સ્થાન ધરાવતા હતા અને આજે પણ ફૂલોનું દરેક  ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન છે. 'ફૂલ' શબ્દ કાને પડતાં જ આપણી નજર સમક્ષ સુગંધ, રંગ, કોેમળતા તેમજ તેના જુદાં જુદાં આકાર પ્રત્યક્ષ થઈ  ઉઠે છે. ફૂલો એટલે સારા શુકન તેમજ પ્રગતિ તથા સમૃદ્ધિચિહ્ન મનાય છે.   સારાં નસીબ તેમ જ સ્વાસ્થ્ય માટે પણ ફૂલોની ભેટ અપાય છે. ફૂલો તેની આસપાસના વાતાવરણને પણ સુંદર બનાવી દે છે. ફૂલો એ પ્રતિક છે  - શૃંગારનું , રસિકતાનું પ્રેમ અને આદર તેમ જ શ્રધ્ધાના પ્રતિક ફૂલો વ્યક્તિ માત્રની સંવેદનાને વ્યક્ત કરે છે. ફૂલના પ્રતિકો ફક્ત આભૂષણો પૂરતા મર્યાદિત નથી રહ્યાં.  સાડીઓમાં સામાન્યપણે જે ફૂલોની આકૃતિઓ રચાય છે તે ફલોરલ પ્રિન્ટ કહેવાય છે તે ફળદ્રુપતાની નિશાની તરીકે પણ લોકપ્રિય થયાં છે. એ જ રીતે મંદિરોમાં પ્રાચીન સ્થાપત્યોમાં ફૂલ-પત્તીઓનું સૂક્ષ્મ ચિત્રણ પણ થયું છે. પરંપરાગત તામિલ તેમ જ ઉત્તર બારતીય આભૂષણોમાં તો ફૂલોના આકાર ખૂબ જ સરળતાથી અપનાવવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં કર્ણફૂલ (કાનની બુટ્ટીઓ)  એ જ રીતે સામાન્યતઃ જે ડિઝાઈન આભૂષણોમાં જોવામાં આવે છે તે જાસ્મીન, કમળ, સેવંતી, ગુલાબ તેમ જ અન્ય ફૂલોના આકારમાં બનાવાયછે.
ભારતીય  પુરાણકથા અથવા ઇતિહાસ કે પછી સાહિત્યમાં  ફૂલોનું એક અજોડ સ્થાન છે.  સંસ્કૃત્ સાહિત્યમાં  વનકન્યા શકુંતલાએ જે પુષ્પોના શૃંગાર કર્યો હોય છે તેજોઈને દુષ્યંત તેના તરફ મોહિત થાય છે અને તેની સાથે લગ્ન કરે છે. દુષ્યંતની શકુંતલાથી લઈને આજની નારી સુધી ફૂલોના આભૂષણોએ  પોેતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.   બહુ ચર્ચિત સોળ શણગારમાં પણ ફૂલોનું અનેરું સ્થાન છે. ફૂલો તેની રોમાન્ટિક અપીલ તેમ જ ધાર્મિક રીતે પણ આપણા જીવન સાથે વણાઈ ગયા છે.
ફૂલ એટલે રૃપ, રસ, ગંધ, રંગોનો સુમેળ. તે જેને આપવામાં આવે તેને પણ પોતાના રંગે રંગી દે છે તો પછી એ જ ફૂલોમાંથી  કમનીય, આકર્ષક  ઘરેણાં બનાવવામાં આવે તો તેના મોહપાશમાંથી કોણ છટકી શકે? હજુ આજે પણ  લગ્ન તેમ જ એવી જ અન્ય ધાર્મિક વિધિઓ માટે ખૂબ જ નાજુક કારીગરી કરેલા ફૂલોના આકારના આભૂષણો બનાવાય છે. જે પ્રસંગને અનુરૃપ શોભી ઊઠે છે. આપણી ભારતીય લગ્નવિધિ ફૂલો વગર અધૂરી જ  રહે છે. ફૂલો  લગ્ન પ્રસંગે વર તેમ જ વધૂના શૃંગાર  માટે વપરાય છે. જેમ કે વધૂ ફૂલોનો ગજરો અથવા વેણી અથવા ચોટલો પહેરે છે. જ્યારે બંગાળી વધૂઓ માટે તો સંપૂર્ણ રીતે માથાનો શણગાર  ફૂલોથી જ થાય છે. ફૂલો  વધૂની સુંદરતામનાં બેશક વધારો જ કરે છે. એ જ રીતે વરરાજા માટે ફૂલોનો 'સેહરો' બનાવડાવાય છે. ઉત્તર  ભારતીય લગ્નોમાં વરરાજા માટે સેહરો પહેરવો  જરૃરી છે.
પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ તેમજ લગ્ન ઉપરાંત પણ દરેક પ્રસંગે જેમ કે જન્મદિવસ,  સગાઈ, નોેકરી મળવા બદલ, માંદગીમાંથી સાજા  થવા બદલ અરે જિંદગીના છેલ્લા પડાવ જેવા મૃત્યુ વખતે પણ ફૂલો પોતાનું  યોેગદાન આપે છે.  ખેર, હવે આજના જમાનામાં તાજા ફૂલોના આભૂષણો દરેક વખતે તેમજ દરેક ઋતુમાં  મળી શકતા નથી  તે થોડા સમય પછી કરમાઈ જાય છે. તેની જે કોેમળ પાંખડીઓ ફૂલની શોભા વધારતી હોય છે તે ધીરે ધીરે ખરી જાય છે. કોઈપણ પ્રસંગે જો કુદરતી ફૂલોથી બનાવેલા આભૂષણોનો જ આગ્રહ રાખવામાં આવે  તો તે ઉચિત નથી.  બીજું, આજકાલ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઘણાં લોકો ફૂલોનો ઉપયોગ કરવા માંગતા નથી તો ત્રીજું એક કારણ એ પણ છે કે ઘણી વખત અમુક ચોક્કસ ફૂલ કે તેની પરાગરજની અમુક વ્યક્તિને એલર્જી  હોય છે. જોકે તેનો ઉત્તમ વિકલ્પ છે કૃત્રિમ ફૂલો. પરંતુ  ઘણાંને કૃત્રિમ નામ માત્રથી જ અણગમો થઈ આવે છે. પરંતુ  કૃત્રિમ  ફૂલોને પણ  ભૂલી જાય એટલા આકર્ષક તેના ઘરેણાં હોય છે. કૃત્રિમ આભૂષણોનો એક ફાયદો એ છે કે તેમાં ફૂલો કરમાઈ જવાની બીક નથી રહેતી. બીજું  પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકોને એક જાતનો આત્મસંતોષ મળે છે. ત્રીજું સુગંધ ગેરહાજર હોવાથી એલર્જીનો ડર રહેતો નથી. ચોથું એકવાર નહીં વારંવાર આ આભૂષણ વાપરી શકાય છે. એટલે ફક્ત  એકવાર જરા વધુ કિંમત ખર્ચવી પડે તોય એ ખોટનો સોદો નથી થતો. પાંચમું વ્યક્તિએ આભૂષણ બનાવવા માટે જે રકમ ખર્ચવી હોય છે તે પોતાની ઈચ્છાનુસાર વધારી-ઘટાડી શકાય છે. જેમ કે જેમને વધુ મોેંઘા ઘરેણાં બનાવડાવવા હોય તેઓ ચાંદી-સોનુ તેમ જ મીનાકારી કરાવીને ઘરેણાં  બનાવડાવી શકે છે. એવું કરવાથી તેઓ ગૌરવ તેમજ ખુશી અનુભવે છે. છઠ્ઠુ   સામાન્યતઃ આ પ્રકારના આભૂષણો બનાવીને  તમે  કોઈકને ભેટ આપશો તો સામી વ્યક્તિ ખુશ થશે અને તે ભેટ તેને માટે અનોખી તેમજ  યાદગાર બની રહેશે. આ ઉપરાંત આ આભૂષણો બનાવવામાં  તમે સોના-ચાંદી  સિવાયની અન્ય સરળતાથી મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ઝીણી ઘૂઘરીઓ, છીપલાં, શંખલા, સાંકળીઓ, અલગ અલગ ધાતુઓ વગેરે. આ ઉપરાંત હવે તો પ્રક્રિયા કર્યા પછી ફૂલોને સૂકાં બનાવી દેવામાં આવે છે. જે ખરેખર ખૂબસૂરત લાગે છે, તેનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઉપરાંત આ જ્વેલરી તમે તમારા ઘરમાં જ રાખી શકો છો. પરંપરાગત સોનાની કે હીરાની વસ્તુઓ તમારે પ્રસંગ પહેલા લૉકરમાંથી કાઢવી પડે છે અને તેની સાચવણીની ચિંતામાં તમે અવસરને મન ભરીને માણી પણ નથી શકતા જ્યારે કૃત્રિમ આભૂષણો તમને હલકાંફૂલ રાખે છે.
હવે આપણે ફૂલોના આકારના તેમજ પાંદડાઓના આકરાના કયા પરંપરાગત આભૂષણો મળી શકે છે તે જોઇશું. ખૂબ જ ઝીણું તેમજ નાજુક તથા ઉત્તમ કોતરકામ કરેલી પારંપારિક ઢબની માથાપટ્ટી (સેંથો સજાવવા પહેરાય), ટિકા, કડલી, કડાં, પાટલા, ચુડી, બંગડીઓ, બુટ્ટી, નેકલેસ, પાયલ, બાજુબંધ, બ્રેસલેટ, કમરબંધ, પરાંદે, બિછુઆ, ઝૂમખાં આ બધાં જ આભૂષણો સોના-ચાંદી - શંખલા-કોડી - છીપલામાંથી બનાવાય છે. આવા આભૂષણો તમે પણ ઓર્ડર આપીને બનાવડાવી શકો છો ફક્ત ધ્યાન એ રાખવું કે ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર તેમજ બ્રાઉન તથા અર્થી શેડમાં તે બનાવાય જેથી કૃત્રિમ હોવા છતાં તે પરિપૂર્ણ લાગે. ભારતીય ઢબે બનાવાયેલા આ આભૂષણો ઉપરાંત આજની યુવાપેઢીને પણ ગમે તેવા ચૉકર, (ગળામાં તંગ બેસે તેવો હાર) માથા પર બાંધવાની પટ્ટી, બ્રેસલેટ, તાવિજ અથવા માદળિયા ઉપરાંત ડિસ્કો તથા પાર્ટીઓમાં પહેરી શકાય તેવી હેરક્લિપ્સ, હેરબેન્ડસ, હેરકોમ્બસ, તથા પીન પણ મળે છે. જેને જોઈને યુવક-યુવતીઓ પણ આ જ્વેલરીનો લાભ ઉઠાવવાનું ચૂકતા નથી.
ટૂંકમાં દરેકને પરવડે તેવી, દરેક ઉંમરનાને ગમે તેવી, મનગમતા સ્થળે પહેરીને જઈ શકો તેવી જ્વેલરી કઈ? તો તેનો જવાબ નિઃશંક પણે હશે ફલૉરલ જ્વેલરી.
ફલાવર-પાવર વિશે થોડી રસપ્રદ વાતો
- સૂકાં ફૂલોની (ઘઇરૃ ખન્ર્ંઉઈઇ) મદદથી આભૂષણો બનાવવાનો પ્રયાસ પ્રશંસનીય તો છે જ આજકાલ ઘણાં કારીગરોએ આ બાબતે પૂરતું ધ્યાન આપવા માંડયું છે કેમ કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.
- કૃત્રિમ આભૂષણોમાં સોનુ-ચાંદી અમુક વર્તુળ પૂરતાં ભલે મર્યાદિત હોય પરંતુ પર્યાવરણને હાનિકારક ન હોઈ (ઇકો-ફ્રેન્ડલી) હોઈ તેનો વપરાશ ધીરે ધીરે પણ અચૂક વધવાનો.
- કંઈક નવું, તાજગીપૂર્ણ તથા સમકાલીન હોવું તે અન્ય ઘરેણાંની સરખામણીએ ઉત્સાહજનક છે. આ આભૂષણો હસ્તકલાથી બનાવી શકાય છે. દરેક સામાજિક પ્રસંગે કોઈને કોઈ આભૂષણની માગ તો રહેવાની જ.
- કૃત્રિમ ફલોરલ જ્વેલરી બનાવવા માટે સૂકાં ફૂલો ઉપરાંત ફળો, બીજ, બીડસ, સીંગ, વગેરેનો ઉપયોગ થાય છે જેને સોના કે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત હળવાં, નાજુક મટિરિયલ જેમ કે ઘાસ તેમજ નાના છીપલાંનો ઉપયોગ પણ કરાય છે. (જેમને ડેલિકેટ) ઘરેણાં જોઈતા હોય તેઓ માટે).
- યુવા વર્ગ માટે જીન્સ તથા ચીકન-કૂર્તા સાથે મેચ  થાય તેવા કલેકશન પણ બનાવાય છે. જેમાં શંખ-છીપ તથા સિલ્વર તેમજ પીચ કલર્સ તથા કુદરતી શેડનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા લોકપ્રિય રંગો જેવા કે લાઈલેક, પીંક બ્લ્યુ, ઓરેંજ, રેડ તથા અર્થ શેડનો ઉપયોગ થાય છે.
- આ જ્વેલરીમાં પરંપરાગત ડિઝાઈન્સ તથા આધુનિક ડિઝાઈન્સ પણ જોવા મળે છે. જેને  જોઈને કોઈનું પણ મન સંતૃપ્ત થઈ જાય.
- આ જ્વેલરીની સંભાળ લેવા તમારે માત્ર આટલું જ કરવું પડશે- સીધાં જ શાવર નીચે કે સ્વીમીંગ પૂલમાં જઈને ના પડતાં. અમુક અરસા બાદ જ્વેલરીના કલર ઝાંખા પડે કે રંગ ઉતરવા માંડે તો કંજૂસી ના કરતાં. થોડો સમય તથા થોડી રકમ ખર્ચીને તમે ફરીથી તેને પૉલિશ કરાવી લો. દરેક આભૂષણને સંભાળીને રાખો  કેમ કે તે હાથે બનાવેલા હોય છે.
- આ આભૂષણોની કિંમત રૃા. ૨.૫૦થી લઈને રૃા. ૨૫૦૦ સુધી કે એથી વધુ પણ થઈ શકે છે. પસંદ અપની અપની.
- ફલૉરલ જ્વેલરીમાં ફૂલ, પત્તી, ઘૂઘરી, પીંછા, ઘાસ, ડાળીઓ, ફર્ન (હંસરાજ) તેમજ તેની સાથે બંધબેસે તેવા અન્ય આકારો પણ બનાવવામાં આવે છે.
- શક્ય હોય ત્યારે સાચાં ફૂલોનો ઉપયોગ કરીને પણ આગળ ઉલ્લેખ કરેલા તમામ આભૂષણો બનાવડાવી શકો છો. જોકે તેનું આયુષ્ય ટૂંકું હોવાનું.
ઉપરોક્ત બાબતો વાંચ્યા પછી તો અમુક વ્યક્તિઓનો 'કૃત્રિમ' વસ્તુઓ પ્રત્યેનો અણગમો દૂર થઈ ગયો હશે કેમ કે જિંદગીમાં ઘણી એવી તકો આવે છે જ્યારે આપણે તથા આપણી આસપાસના લોકો કુદરત તરફથી મળેલી આ અને આવી જ અન્ય ભેટને વધાવી શકીએ તથા આપણાં વ્યક્તિત્વને નિખારી શકીએ- જરૃર છે. અમુક ગમા-અણગમાં તથા પૂર્વગ્રહ છોડવાની અને પછી જુઓ તમે આનંદમાં તરબોળ થઈ ગયા હશો. એ જ તો છે ફલાવર-પાવર.
અંકિતા  -SAHIYAR

03 July, 2014
http://gujaratsamachar.com/index.php/articles/display_article/gold-silver-jewelery

No comments: